નવી કાર ખરીદવી એ દરેક વ્યક્તિ માટે એક મોટો અને ઉત્સાહિત કરનારો નિર્ણય હોય છે. પરંતુ, જ્યારે આપણે કોઈ કારના બ્રોશર કે વેબસાઇટ પર તેના કારના ટેકનિકલ શબ્દો જોઈએ છીએ, ત્યારે ઘણા બધા ટેકનિકલ શબ્દો જોઈને મૂંઝવણ થાય છે. “CC શું છે?”, “ટોર્ક અને પાવર વચ્ચે શું તફાવત છે?”, “FWD અને RWD શું છે?” – આવા અનેક પ્રશ્નો મનમાં ઉદ્ભવે છે.
આજના આ બ્લોગ પોસ્ટમાં, અમે તમને સરળ ગુજરાતી ભાષામાં સમજાવીશું કે કારના સ્પેસિફિકેશન્સ ખરેખર શું દર્શાવે છે અને તમારા માટે કઈ કાર શ્રેષ્ઠ છે તે નક્કી કરવામાં તે કેવી રીતે મદદરૂપ થઈ શકે છે.
Table of Contents
બોડી ટાઈપ:
કારના સ્પેસિફિકેશનમાં સૌથી પહેલી વસ્તુ તેનો આકાર અથવા ‘બોડી ટાઈપ’ આવે છે, જે તમારી જરૂરિયાત મુજબ પસંદ કરવી જોઈએ. જો તમે શહેરના ટ્રાફિકમાં ચલાવવા માંગતા હોવ તો હેચબેક અને લાંબી મુસાફરી માટે સેડાન શ્રેષ્ઠ વિકલ્પ છે,
જ્યારે પહાડી કે ખરાબ રસ્તાઓ માટે SUV વધુ અનુકૂળ રહે છે. આ વિભાગમાં માત્ર આકાર જ નહીં, પણ કારની બેઠક ક્ષમતા અને દેખાવનો પણ સમાવેશ થાય છે. દરેક બોડી ટાઈપના પોતાના ફાયદા અને મર્યાદાઓ હોય છે, જેની વિગતવાર માહિતી તમે અમારા સમર્પિત લેખમાં વાંચી શકો છો. આ માહિતી તમને તમારી જીવનશૈલી મુજબ યોગ્ય કાર પસંદ કરવામાં પાયાની મદદ કરશે.
વધુ જાણો: દરેક કાર બોડી ટાઈપ વિશે વિગતવાર માહિતી અહીં વાંચો
એન્જિનની વિશે ની ટેકનિકલ વાતો
કારના બ્રોશરમાં એન્જિનનો વિભાગ સૌથી વધુ ટેકનિકલ હોય છે. એન્જિન એ કારનું હૃદય છે, અને આ શબ્દો વિષે ખાસ જાણવું. આમાં એન્જિન કેપેસિટી, ટ્રાન્સમિશન, ફ્યુલ ટાઈપ, સસ્પેન્શન, એન્જિન લે આઉટ જેવા શબ્દો વિષે જાણવું જરૂરી છે.
ફ્યુલ ના પ્રકાર :
કાર ખરીદતી વખતે બળતણનો પ્રકાર (Fuel Type) પસંદ કરવો એ તમારા મહિનાના ખર્ચ અને ડ્રાઇવિંગના વપરાશ પર આધાર રાખે છે. હાલમાં ભારતીય બજારમાં મુખ્યત્વે નીચે મુજબના વિકલ્પો ઉપલબ્ધ છે:
- પેટ્રોલ (Petrol): પેટ્રોલ એન્જિન ચલાવવામાં અત્યંત સ્મૂથ અને શાંત હોય છે. જો તમારું રોજેરોજનું રનિંગ ઓછું હોય (મહિને ૧૦૦૦ કિમીથી ઓછું), તો પેટ્રોલ કાર તમારા માટે શ્રેષ્ઠ અને મેન્ટેનન્સમાં સસ્તી પડે છે.
- ડીઝલ (Diesel): ડીઝલ એન્જિનમાં ટોર્ક (ખેંચવાની શક્તિ) વધુ હોય છે, જે મોટી SUV માટે બેસ્ટ છે. જો તમારો વપરાશ ઘણો વધારે હોય અને હાઇવે પર લાંબી મુસાફરી કરવાની હોય, તો ડીઝલ એન્જિન વધુ માઇલેજ અને પાવર આપે છે.
- CNG: પેટ્રોલના વધતા ભાવ સામે CNG એ સૌથી સસ્તો અને ઇકો-ફ્રેન્ડલી વિકલ્પ છે. જે લોકો માત્ર શહેરના ટ્રાફિકમાં જ કાર વાપરે છે અને ઓછી કિંમતે વધુ માઇલેજ મેળવવા માંગે છે, તેમના માટે આ પરફેક્ટ છે, જોકે આમાં બૂટ સ્પેસ (ડિકી) ઓછી મળે છે.
- ઇલેક્ટ્રિક (EV): આ ભવિષ્યની ટેકનોલોજી છે જેમાં પેટ્રોલ-ડીઝલની જરૂર પડતી નથી અને મેન્ટેનન્સ નહિવત હોય છે. પર્યાવરણ માટે શુદ્ધ અને અવાજ વગરની આ કાર લાંબા ગાળે ઘણી સસ્તી પડે છે, પણ તેની શરૂઆતની ખરીદ કિંમત થોડી વધુ હોય છે.
- હાઇબ્રિડ (Hybrid): આમાં પેટ્રોલ એન્જિન અને ઇલેક્ટ્રિક મોટર બંને હોય છે, જે જરૂર મુજબ સ્વિચ થાય છે. તે કોઈ પણ ચાર્જિંગની ઝંઝટ વગર શહેરના ટ્રાફિકમાં શાનદાર માઇલેજ (૨૫-૨૮ કિમી/લિટર) આપે છે.
CC (Cubic Capacity)
CC એટલે એન્જિનના અંદરના ભાગનું કદ અથવા વોલ્યુમ એન્જિન ની કેપેસિટી ને સીસી અથવા લિટર માં માપવામાં આવે છે. જો 1000 cc થી વધારે હોય તો લિટર માં અથવા સીસી માં માપવામાં આવે છે.
- સરળ શબ્દોમાં સમજીએ તો, જેટલું વધારે CC, તેટલું મોટું એન્જિન. મોટું એન્જિન વધુ પેટ્રોલ/ડીઝલ લેશે અને સામે એટલી જ વધુ તાકાત આપશે
- નાની હેચબેકમાં સામાન્ય રીતે 1000cc કે 1200cc (1.0L કે 1.2L) એન્જિન હોય છે, જે માઇલેજ પર ફોકસ કરે છે.
- મોટી SUV માં 1500cc થી 2000cc+ (1.5L થી 2.0L) એન્જિન હોય છે, જે વજન ખેંચવા માટે જરૂરી છે.
હોર્સપાવર (BHP)
- BHP એ કારના એન્જિનની મહત્તમ તાકાત અથવા કાર્ય કરવાની ક્ષમતા દર્શાવતો એકમ છે.
- તે મુખ્યત્વે નક્કી કરે છે કે તમારી કાર હાઇવે પર કેટલી ઝડપથી દોડી શકશે અને તેની ટોપ સ્પીડ કેટલી હશે.
- જેટલો BHP વધારે, તેટલી જ કાર ઊંચી ઝડપ (High Speed) પર વધુ સ્થિરતા અને પાવર સાથે ચાલી શકે છે.
- સરળ શબ્દોમાં કહીએ તો, ટોર્ક કારને ગતિ આપે છે જ્યારે હોર્સપાવર તે ગતિને જાળવી રાખવામાં મદદ કરે છે.
ટોર્ક (Torque)
- ટોર્ક એ એન્જિન દ્વારા પેદા થતી ‘ફેરવવાની અથવા ખેંચવાની તાકાત’ (Rotational Force) છે.
- ટોર્ક હમેશા ન્યુટન મીટર ઍટલે NM માં માપવામાં આવે છે.
- જ્યારે તમે સ્થિર ઉભેલી કારને આગળ ધપાવવા માટે એક્સિલરેટર આપો છો, ત્યારે કારને જે શરૂઆતી ધક્કો કે પિક-અપ મળે છે તે ટોર્કને કારણે હોય છે.
- ભારે વજન ખેંચવા માટે, ઢાળવાળા રસ્તાઓ પર ચઢવા માટે અને ટ્રાફિકમાં ઝડપથી આગળ વધવા માટે વધુ ટોર્ક ખૂબ જ જરૂરી છે.
- સામાન્ય રીતે SUV અને ડીઝલ એન્જિનવાળી કારમાં ટોર્ક વધુ હોય છે, જે તેને શક્તિશાળી લોડ-ખેંચવાની ક્ષમતા આપે છે.
એન્જિન ના પ્રકાર:
નેચરલી એસ્પિરેટેડ એન્જિન (Naturally Aspirated – NA):
- આ એન્જિન વાતાવરણમાં રહેલી હવાને કુદરતી દબાણથી અંદર ખેંચીને બળતણ સાથે બાળે છે, જેમાં કોઈ વધારાના મશીનનો ઉપયોગ થતો નથી.
- તે ડ્રાઇવિંગમાં ખૂબ જ સ્મૂથ અને શાંત હોય છે, કારણ કે તેમાં પાવર ધીમે-ધીમે અને એકસરખી રીતે વધે છે.
- આ એન્જિનની રચના સરળ હોવાથી તેનું મેન્ટેનન્સ સસ્તું પડે છે અને તે લાંબા સમય સુધી સારું પર્ફોર્મન્સ આપે છે.
- સામાન્ય રીતે રોજિંદા વપરાશની બજેટ અને ફેમિલી કારમાં આ એન્જિન સૌથી વધુ જોવા મળે છે.
ટર્બોચાર્જ્ડ એન્જિન (Turbocharged Engine):
- આ એન્જિનમાં ‘ટર્બો’ નામના ઉપકરણનો ઉપયોગ કરીને એન્જિનની અંદર વધુ હવાને દબાણપૂર્વક મોકલવામાં આવે છે,
- આ ટેકનોલોજીને કારણે નાનું એન્જિન પણ મોટા એન્જિન જેવો જબરદસ્ત પાવર અને પિક-અપ જનરેટ કરી શકે છે.
- તે ઝડપી ડ્રાઇવિંગ અને એડવેન્ચરના શોખીનો માટે શ્રેષ્ઠ છે, જોકે તેમાં શરૂઆતમાં થોડો ‘ટર્બો લેગ’ (પાવર મળવામાં સામાન્ય વિલંબ) અનુભવાય છે.
- આધુનિક સમયમાં ઓછું ઈંધણ વાપરીને વધુ શક્તિ મેળવવા માટે કાર કંપનીઓ ટર્બો એન્જિન પર વધુ ભાર આપી રહી છે.
એન્જિન લેઆઉટ (Engine Layout)
એન્જિન લેઆઉટ એટલે એન્જિનની અંદર રહેલા સિલિન્ડર કયા આકાર કે કઈ રીતે ગોઠવાયેલા છે તેની પદ્ધતિ. આ પણ એક અગત્ય નું ફેક્ટર છે.
લેઆઉટની પસંદગી કારના પર્ફોર્મન્સ, એન્જિનના અવાજ (Noise) અને બોનેટની અંદર રહેલી જગ્યાના આધારે કરવામાં આવે છે.
લે આઉટ ના પ્રકાર
- ઇનલાઇન એન્જિન (Inline/Straight Engine): આ સૌથી સામાન્ય પ્રકાર છે જેમાં બધા સિલિન્ડર એક જ લાઈનમાં ઊભા ગોઠવાયેલા હોય છે. તે બનાવવામાં સસ્તું છે અને ઓછી જગ્યા રોકતું હોવાથી નાની અને મધ્યમ કદની કારમાં વપરાય છે.
- વી-એન્જિન (V-Engine): આમાં સિલિન્ડર બે હારમાં ‘V’ આકારમાં ગોઠવાયેલા હોય છે (જેમ કે V6 અથવા V8). આ લેઆઉટ એન્જિનની લંબાઈ ઘટાડે છે અને વધુ સિલિન્ડર સમાવી શકતું હોવાથી પાવરફુલ લક્ઝરી કારમાં જોવા મળે છે.
- ફ્લેટ અથવા બોક્સર એન્જિન (Flat/Boxer Engine): આમાં સિલિન્ડર સામસામે આડા ગોઠવાયેલા હોય છે. આ એન્જિન કારનું ગુરુત્વાકર્ષણ કેન્દ્ર નીચું રાખે છે, જેનાથી હાઇ-સ્પીડ પર કારનું બેલેન્સ અને હેન્ડલિંગ ઉત્તમ રહે છે.
- ડબલ્યુ-એન્જિન (W-Engine): આમાં ‘V’ આકારના બે એન્જિનને જોડીને ‘W’ આકાર બનાવવામાં આવે છે. આ અત્યંત જટિલ અને શક્તિશાળી લેઆઉટ છે, જે માત્ર બુગાટી જેવી સુપર-લક્ઝરી હાઇપર કારમાં જ વપરાય છે.
સિલિન્ડર ની સંખ્યા
- સિલિન્ડર એ એન્જિનનો એ મુખ્ય ભાગ છે જ્યાં બળતણ (પેટ્રોલ/ડીઝલ) બળે છે અને કારને ચલાવવા માટેની શક્તિ પેદા થાય છે.
- જ્યારે તમે વાંચો છો inline-4 , V6, w12. તો આમાં ઇનલાઇન અને v એ એન્જિન નો લે આઉટ બતાડે છે જ્યારે પાછળ ના 4, 6 જેવા નબર તેના સિલિન્ડર નો સંખ્યા બતાવે છે.
- ૩-સિલિન્ડર એન્જિન વજનમાં હલકા હોય છે અને વધુ માઇલેજ આપે છે, પરંતુ તેમાં થોડો અવાજ અને ધ્રુજારી વધુ જોવા મળે છે.
- ૪-સિલિન્ડર એન્જિન ચલાવવામાં અત્યંત સ્મૂથ અને શાંત હોય છે, જે હાઇવે પર વધુ સારું પર્ફોર્મન્સ અને પાવર પ્રદાન કરે છે
- સામાન્ય રીતે, જેમ સિલિન્ડરની સંખ્યા વધે (જેમ કે ૬ કે ૮ સિલિન્ડર), તેમ એન્જિનની શક્તિ અને રિફાઇનમેન્ટ વધે છે, પણ માઇલેજમાં થોડો ઘટાડો થાય છે.
ટ્રાન્સમિશન સિસ્ટમ: અને તેના પ્રકાર MT, AMT, CVT
ટ્રાન્સમિશન અથવા ગેરબોક્સ કાર જે કાર ની પસંદગી માં સૌથી અગત્ય નું ફેક્ટર છે. ટ્રાન્સમિશન સિસ્ટમ એ કારનું ગિયરબોક્સ છે જે એન્જિન દ્વારા પેદા થયેલા પાવરને જરૂરિયાત મુજબ પૈડાં સુધી પહોંચાડે છે. તે કારની ગતિ અને લોડના આધારે એન્જિનની શક્તિને નિયંત્રિત કરી ડ્રાઇવિંગને સરળ બનાવે છે. ટ્રાન્સમિશન વગર એન્જિનની શક્તિનો ઉપયોગ યોગ્ય ઝડપે કરવો અશક્ય છે.
ટ્રાન્સમિશનના મુખ્ય પ્રકારો નીચે મુજબ છે:
- મેન્યુઅલ ટ્રાન્સમિશન (MT): આમાં ડ્રાઇવરે જાતે ક્લચ દબાવીને હાથથી ગિયર બદલવા પડે છે. તે કાર પર વધુ કંટ્રોલ આપે છે અને મેન્ટેનન્સમાં સસ્તું પડે છે.
- ઓટોમેટેડ મેન્યુઅલ ટ્રાન્સમિશન (AMT): આ મેન્યુઅલ ગિયરબોક્સનું સસ્તું ઓટોમેટિક વર્ઝન છે જેમાં ક્લચનું કામ સેન્સર કરે છે. તે બજેટ કારમાં ક્લચ વગર ડ્રાઇવિંગ કરવાની સુવિધા આપે છે.
- કન્ટિન્યુઅસલી વેરીએબલ ટ્રાન્સમિશન (CVT): આમાં નિશ્ચિત ગિયર્સને બદલે પુલી સિસ્ટમ હોય છે જે અનંત ગિયર રેશિયો આપે છે. તે શહેરમાં અત્યંત સ્મૂથ અને આંચકા રહિત ડ્રાઇવિંગ માટે શ્રેષ્ઠ છે.
- ટોર્ક કન્વર્ટર (TC): આ સૌથી જૂની અને ભરોસાપાત્ર ઓટોમેટિક સિસ્ટમ છે જે પ્રવાહીના દબાણથી કામ કરે છે. તે પાવરફુલ એન્જિન અને મોટી SUV કાર માટે વધુ અનુકૂળ રહે છે.
- ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશન (DCT): આ સૌથી ઝડપી ગિયરબોક્સ છે જેમાં બે ક્લચ હોવાથી ગિયર પલકવારમાં બદલાઈ જાય છે. તે હાઇ-પર્ફોર્મન્સ અને સ્પોર્ટ્સ કારમાં શાનદાર સ્પીડ પૂરી પાડે છે.
ડ્રાઇવટ્રેન (Drivetrain): FWD, RWD, AWD, 4WD
ડ્રાઇવટ્રેન એ કારની એવી સિસ્ટમ છે જે એન્જિન દ્વારા ઉત્પન્ન થયેલા પાવરને કારના પૈડાં સુધી પહોંચાડે છે. તે નક્કી કરે છે કે એન્જિનની શક્તિ આગળના બે પૈડાંને મળશે, પાછળના બેને, કે ચારેય પૈડાંને. આ સિસ્ટમ કારના હેન્ડલિંગ, ટ્રાન્સમિશન અને રસ્તા પરની પકડ (Grip) પર સીધી અસર કરે છે.
ડ્રાઇવટ્રેનના મુખ્ય પ્રકારો નીચે મુજબ છે:
- FWD (Front-Wheel Drive): આમાં એન્જિનનો પાવર માત્ર આગળના બે પૈડાંને મળે છે જે આખી કારને ખેંચે છે. તે વજનમાં હલકી અને સસ્તી હોવાથી ભારતની મોટાભાગ ની ફેમિલી કારમાં જોવા મળે છે.
- RWD (Rear-Wheel Drive): આમાં પાવર પાછળના પૈડાંને મળે છે જે કારને આગળ ધકેલે છે. તે વધુ વજન ખેંચવાની ક્ષમતા ધરાવે છે, તેથી મોટી SUV, લક્ઝરી કાર અને ટ્રકમાં વપરાય છે.
- AWD (All-Wheel Drive): આ સિસ્ટમમાં એન્જિન આપમેળે જરૂરિયાત મુજબ ચારેય પૈડાંને પાવર મોકલે છે. તે ભીના કે લપસણા રસ્તાઓ પર ઉત્તમ સુરક્ષા અને રસ્તા પર પકડ પૂરી પાડે છે.
- 4WD (4-Wheel Drive): આમાં ડ્રાઇવર મેન્યુઅલી ચારેય પૈડાંને પાવર આપવાનું નક્કી કરી શકે છે. આ ખાસ કરીને અત્યંત ખરાબ રસ્તાઓ અને પહાડી વિસ્તારોમાં ઓફ-રોડિંગ કરવા માટે શ્રેષ્ઠ છે.
સસ્પેન્શન સિસ્ટમ :
સસ્પેન્શન સિસ્ટમ એ કારના પૈડાં અને તેની બોડી વચ્ચે લાગેલી સ્પ્રિંગ અને શોક-એબ્સોર્બરની એક જટિલ સિસ્ટમ છે. તેનું મુખ્ય કાર્ય રસ્તા પરના ખાડા કે બમ્પ્સના આંચકાઓને શોષી લેવાનું છે જેથી મુસાફરોને આરામદાયક અનુભવ મળે. આ સિસ્ટમ માત્ર કમ્ફર્ટ જ નહીં, પણ વળાંક લેતી વખતે કારની સ્થિરતા અને ટાયરની રસ્તા પરની પકડ જાળવી રાખવા માટે પણ અનિવાર્ય છે.
સસ્પેન્શન સિસ્ટમના મુખ્ય પ્રકારો
- મેકફર્સન સ્ટ્રટ (MacPherson Strut): આ સૌથી સામાન્ય અને લોકપ્રિય પ્રકાર છે, જે મોટાભાગની કારના આગળના પૈડાંમાં જોવા મળે છે. તે ડિઝાઇનમાં સરળ, વજનમાં હલકું અને જગ્યા ઓછી રોકતું હોવાથી નાની અને મધ્યમ કાર માટે શ્રેષ્ઠ છે.
- ડબલ વિશબોન (Double Wishbone): આમાં બે ‘A’ આકારના આર્મ્સ હોય છે, જે વળાંક લેતી વખતે ટાયરને રસ્તા સાથે વધુ સારી રીતે ચોંટાડી રાખે છે. આ સિસ્ટમ લક્ઝરી અને સ્પોર્ટ્સ કારમાં જોવા મળે છે કારણ કે તે શાનદાર હેન્ડલિંગ અને કંટ્રોલ આપે છે.
- મલ્ટી-લિંક સસ્પેન્શન (Multi-link Suspension): આ એક આધુનિક અને જટિલ સિસ્ટમ છે જેમાં ત્રણ કે તેથી વધુ આર્મ્સનો ઉપયોગ થાય છે. તે રાઇડ કમ્ફર્ટ અને હેન્ડલિંગ વચ્ચેનું શ્રેષ્ઠ સંતુલન બનાવે છે અને રસ્તાના ખાડાઓની અસર કેબિનમાં ન્યૂનતમ પહોંચાડે છે.
- એર સસ્પેન્શન (Air Suspension): આમાં પરંપરાગત સ્પ્રિંગના બદલે હવા ભરેલા રબરના બેગ્સ (Air Springs) હોય છે. આ અત્યંત મોંઘી સિસ્ટમ છે જે માત્ર પ્રીમિયમ કારમાં જ જોવા મળે છે, જેમાં તમે કારની ઊંચાઈ પણ જરૂરિયાત મુજબ વધારી કે ઘટાડી શકો છો.
- લીફ સ્પ્રિંગ (Leaf Spring): આને આપણે સામાન્ય ભાષામાં ‘કમાન’ કહીએ છીએ, જેમાં ધાતુની પટ્ટીઓ એકબીજા પર ગોઠવાયેલી હોય છે. આ સિસ્ટમ અત્યંત મજબૂત હોય છે અને વધુ વજન ઉઠાવી શકે છે, તેથી ટ્રક અને મોટી SUV માં વપરાય છે.
ડાયમેન્શન્સ: ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને વ્હીલબેઝ
કારના ડાયમેન્શન્સ તેની ક્ષમતા અને આરામ નક્કી કરે છે. આમાં બે સૌથી મહત્ત્વના શબ્દો ‘ગ્રાઉન્ડ ક્લિયરન્સ’ અને ‘વ્હીલબેઝ’ છે, જેની સમજ નીચે મુજબ છે:
- ગ્રાઉન્ડ ક્લિયરન્સ (Ground Clearance): કારના સૌથી નીચેના ભાગ અને જમીન વચ્ચેના અંતરને ગ્રાઉન્ડ ક્લિયરન્સ કહેવાય છે. ભારતના રસ્તાઓ અને ઊંચા સ્પીડ બ્રેકર્સને જોતા, કારનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ ઓછામાં ઓછું 170mm હોવું જરૂરી છે; SUV કારમાં આ અંતર 200mm કે તેથી વધુ હોય છે જેથી તે પથરાળ રસ્તાઓ પર નીચે અથડાયા વગર ચાલી શકે.
- વ્હીલબેઝ (Wheelbase): કારના આગળના અને પાછળના પૈડાંના કેન્દ્ર (Center) વચ્ચેના અંતરને વ્હીલબેઝ કહેવામાં આવે છે. વ્હીલબેઝ જેટલો લાંબો હશે, કારની અંદરની કેબિનમાં એટલી જ વધુ જગ્યા (લેગરૂમ) મળશે અને હાઇવે પર કારની સ્થિરતા (Stability) પણ વધુ રહેશે.
મુખ્ય તફાવત અને અસર:
| પરિમાણ | શું અસર કરે છે? | કોના માટે જરૂરી? |
| ગ્રાઉન્ડ ક્લિયરન્સ | ખરાબ રસ્તા અને પાણી ભરાયેલા રસ્તાઓ પર ચલાવવાની ક્ષમતા. | ગામડા કે પહાડી વિસ્તારોમાં મુસાફરી કરનાર માટે. |
| વ્હીલબેઝ | પાછળની સીટ પર બેસનાર મુસાફરોનો આરામ અને લેગરૂમ. | ફેમિલી સાથે લાંબી મુસાફરી કરનાર લોકો માટે. |
માઇલેજ (Fuel Efficiency):
ભારતીય ગ્રાહકો માટે “કિતના દેતી હૈ?” એ સૌથી મહત્ત્વનો પ્રશ્ન છે. માઇલેજ એટલે કે બળતણ કાર્યક્ષમતા વિશેની વિગતવાર સમજૂતી નીચે મુજબ છે:
- ARAI માઇલેજ (કંપનીનો દાવો): કારના બ્રોશરમાં જે આંકડો લખેલો હોય છે તે ARAI (Automotive Research Association of India) દ્વારા પ્રમાણિત હોય છે. આ ટેસ્ટ લેબોરેટરીની આદર્શ સ્થિતિમાં, ચોક્કસ સ્પીડ પર અને AC બંધ રાખીને કરવામાં આવે છે, જે વાસ્તવિક રસ્તાઓ પર મેળવવો લગભગ અશક્ય છે.
- વાસ્તવિક માઇલેજ (Real World Mileage): જ્યારે તમે કારને શહેરના ટ્રાફિકમાં, AC ચાલુ રાખીને અને વારંવાર ગિયર બદલીને ચલાવો છો, ત્યારે કંપનીના દાવા કરતા માઇલેજ સામાન્ય રીતે ૨૦% થી ૩૦% ઓછું મળે છે. દાખલા તરીકે, જો કંપની ૨૨ kmpl નો દાવો કરતી હોય, તો શહેરમાં ૧૫-૧૭ kmpl અને હાઇવે પર ૧૮-૧૯ kmpl સુધીનું માઇલેજ મળી શકે છે.
માઇલેજ વધારવા માટેની ટિપ્સ:
- ૧. ટાયરનું દબાણ: ટાયરમાં હવાનું દબાણ યોગ્ય રાખવાથી માઇલેજમાં મોટો સુધારો થાય છે.
- ૨. સ્મૂથ ડ્રાઇવિંગ: અચાનક એક્સિલરેટર આપવાનું કે જોરથી બ્રેક મારવાનું ટાળો.
- સમયસર સર્વિસ: એન્જિન ઓઇલ અને એર ફિલ્ટર સમયસર બદલાવવાથી એન્જિનની કાર્યક્ષમતા જળવાય છે.
- ગિયર શિફ્ટિંગ: યોગ્ય સ્પીડ પર યોગ્ય ગિયરમાં ગાડી ચલાવવાથી બળતણનો વપરાશ ઘટે છે.
બૂટ સ્પેસ અને કેબિન સ્પેસ
કારમાં જગ્યા (Space) અને આરામ (Comfort) એ મુસાફરીના અનુભવને સૌથી વધુ અસર કરતા પરિબળો છે. જ્યારે આપણે કારની સ્પેસની વાત કરીએ છીએ, ત્યારે મુખ્યત્વે બે બાબતો જોવામાં આવે છે:
- બૂટ સ્પેસ (Boot Space): કારની પાછળ સામાન મૂકવાની ડિકીની જગ્યાને બૂટ સ્પેસ કહેવાય છે, જે ‘લિટર્સ’ માં માપવામાં આવે છે. જો તમે પરિવાર સાથે લાંબી ટ્રિપ પર જાવ છો, તો ૪૦૦ લિટરથી વધુ બૂટ સ્પેસ હોવી જરૂરી છે જેથી તમારી બધી બેગ્સ આસાનીથી સમાઈ શકે.
- કેબિન સ્પેસ (Cabin Space): કેબિન સ્પેસ એટલે કારની અંદર મુસાફરો માટે બેસવાની જગ્યા. આમાં હેડરૂમ (માથા અને છત વચ્ચેની જગ્યા), લેગરૂમ (પગ લંબાવવા માટેની જગ્યા) અને શોલ્ડર રૂમ (ત્રણ લોકો પાછળ આરામથી બેસી શકે તેવી પહોળાઈ) નો સમાવેશ થાય છે.
ધ્યાનમાં રાખવા જેવી બાબતો:
- જે કારનો વ્હીલબેઝ લાંબો હોય છે, તેમાં કેબિન સ્પેસ અને લેગરૂમ વધુ મળે છે.
- સેડાન કારમાં સામાન્ય રીતે હેચબેક કરતા વધુ બૂટ સ્પેસ મળે છે.
- એસયુવી (SUV) કારમાં હેડરૂમ વધુ હોય છે, જે ઊંચી વ્યક્તિઓ માટે આરામદાયક રહે છે.
- કાર ખરીદતી વખતે પાછળની સીટ પર ૩ પુખ્ત વ્યક્તિઓને બેસાડીને ‘શોલ્ડર રૂમ’ ચોક્કસ ચેક કરવો જોઈએ.
સેફ્ટી ફીચર્સ
થોડા વર્ષો પહેલા ભારતમાં કારની ડિઝાઇન અને માઇલેજ વધુ જોવાતા હતા, પરંતુ હવે ગ્રાહકો સુરક્ષા (Safety) ને પહેલી પ્રાથમિકતા આપે છે. સ્પેસિફિકેશન શીટમાં નીચેની બાબતો ખાસ ચેક કરો:
- એરબેગ્સ (Airbags): અકસ્માત સમયે કારની અંદર બલૂનની જેમ ખૂલી જતી એરબેગ્સ મુસાફરોના જીવ બચાવે છે. હવે મોટાભાગની કારમાં 6 એરબેગ્સ સ્ટાન્ડર્ડ આવવા લાગ્યા છે.
- ABS અને EBD: * ABS (Anti-lock Braking System): અચાનક જોરથી બ્રેક મારવા પર કારના પૈડાંને જામ (Lock) થતા અટકાવે છે, જેથી તમે બ્રેક મારવાની સાથે કારને સ્ટેરિંગથી વાળી શકો છો અને સ્લિપ થતા અટકાવી શકો છો.
- EBD (Electronic Brakeforce Distribution): ચારેય પૈડાં પર વજન મુજબ યોગ્ય બ્રેક લગાવવાનું કામ કરે છે.
- NCAP રેટિંગ (Crash Test Rating): કાર મજબૂત ધાતુ (Metal) ની બની છે કે નબળી, તે ક્રેશ ટેસ્ટથી નક્કી થાય છે. ગ્લોબલ NCAP અથવા ભારત NCAP દ્વારા કારને 1 થી 5 સ્ટાર આપવામાં આવે છે. હંમેશા 4 કે 5-સ્ટાર રેટિંગ વાળી કારને જ પ્રાધાન્ય આપો.
- ADAS (Advanced Driver Assistance Systems): આજના જમાનાની હાઇ-ટેક કારમાં ADAS આવે છે. તેમાં કાર આપમેળે લેન (Lane) માં રહે છે, આગળ કોઈ વાહન આવી જાય તો જાતે ઓટોમેટિક બ્રેક (Auto Emergency Braking) લગાવી દે છે, જે હાઇવે પર ખૂબ સુરક્ષિત છે.
નિષ્કર્ષ
કારના બ્રોશરમાં છપાયેલા સ્પેસિફિકેશન્સ માત્ર નંબરો કે આંકડાઓની માયાજાળ નથી; તે વાસ્તવમાં કારની ક્ષમતા, તમારો આરામ, તમારો ડ્રાઇવિંગ અનુભવ અને સૌથી વિશેષ તો તમારા પરિવારની સુરક્ષાની વાર્તા કહે છે.
ટૂંકમાં સમજીએ તો:
- જો તમારી રોજિંદી મુસાફરી શહેરના ભારે ટ્રાફિકમાં હોય: એક નાની હેચબેક, ઓટોમેટિક ટ્રાન્સમિશન (CVT/AMT) અને સારું માઇલેજ આપતી કાર પસંદ કરો.
- જો તમને હાઇવે પર લાંબી મુસાફરી અને સ્પીડ પસંદ હોય: મજબૂત સિડાન, 4-સિલિન્ડર ટર્બો એન્જિન, અને સ્ટિફ સસ્પેન્શન વાળી કાર લો.
- જો તમે ગામડાના રસ્તાઓ, પહાડો કે ખરાબ રસ્તાઓ પર ફરતા હોવ: ઊંચું ગ્રાઉન્ડ ક્લિયરન્સ, વધુ ટોર્ક, અને AWD/SUV બોડી ટાઇપ તમારા માટે શ્રેષ્ઠ રહેશે.
હવે જ્યારે પણ તમે નવી કાર ખરીદવા જશો અથવા કોઈ કાર વિશે વાંચશો, ત્યારે આ સ્પેસિફિકેશન્સની સમજ તમને સેલ્સમેનની વાતોમાં ભ્રમિત થયા વિના, એક સ્માર્ટ અને સાચો નિર્ણય લેવામાં 100% મદદ કરશે. તમારી નવી કાર માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
sources: auto.howstuffworks
વધારે વાંચો:

